જોડણી - ૫
--------------
તદ્ભવ શબ્દોની જોડણી - ૨
--------------------------------
(૫) બે અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષરમાં આવતા ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે; જેમ કે,
- કીડી, ખીણ, ખીર, ખીલો, ગીચ, ગીધ, ચીજ, ચીલો, છીણ, ઢીલ, ભીડ, ભીલ, મીણ, બીક, રીત, લીટી, શીખ વગેરે.
- કૂખ, ખૂબ, ગૂમ, ચૂક, જૂથ, દૂધ, ભૂકી, ભૂખ, ભૂરું, ભૂલ, મૂઠ, મૂળ, લૂખું, લૂણ, લૂલું, સૂકું, સૂડી વગેરે.
અપવાદ - ડિલ, ચિઠ્ઠી, ગિની, કુળ, જુદું, સુધી વગેરે.
- જિદ્દ અને જીદ- એમ બંને રીતે લખાય છે.)
(૬) ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર લઘુ (જેની સાથે હ્રસ્વ સ્વર
ભળ્યો હોય તેવો અક્ષર - ક, કિ અને કુ મુજબ) હોય તો પ્રથમ અક્ષરમાં ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે; જેમ કે,
- કીમતી, કીમિયો, ખીચડી, ખીજડો, ચીતરી, ચીતળ, ચીપિયો, ચીભડું, છીછરું, દીકરો, ધીરજ, લીમડો વગેરે.
- ઊખર, ઊજળું, ઊતર, ઊછળ, ઊણપ, ઊધઈ, ઊપજ, ઊંધિયું, ઊડઈ(પતંગ), ઊબકો, ઊભરો, ઊમરો(ઉંબરો) વગેરે.
- કૂકડો, કૂજન, કૂતરો, ઘૂમટો, ડૂસકું, નૂસખો, ફૂદડી, ભૂસકો, સૂતળી, સૂપડું, સૂરણ, સૂરજ વગેરે.
(અપવાદ- કુમળું, કુલડી, ટુકડી, ટુચકો, મુજબ, મુદત, મુગટ વગેરે.)
(૭) ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર ગુરુ (જેની સાથે દીર્ઘ સ્વર
ભળ્યો હોય તેવો અક્ષર - કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ મુજબ) હોય તો પ્રથમ અક્ષરમાં ઇ-ઉ હ્રસ્વ હોય છે; જેમ કે,
- ઇનામ, ઇજારો, કિનારો, છિપોલી, દિવેટ, દિવાસો, દિવાળી, પિછાણ, ચિરાગ, રિવાજ, પિચોટી, પિપાસા, શિકાર, સિતાર વગેરે.
- ઉગાર, ઉઘાડ, ઉતાર, ઉનાળો, ઉછીનું, કુરાન, ખુમારી, ખુશાલી, ગુલાબ, ચુકાદો, ધુમાડો, ફુગાવો, ફુવારો, મુનીમ, સુથાર, લુહાર વગેરે.
(અપવાદ- ઊંચાઈ, ઊંડાઈ, ચૂંથારો, જૂઠાણું, તૂરાશ, નીંભાડો, મીઠાઈ, મીઠાશ, મૂંઝારો, રૂમાલ, વીજાણુ, સીમાડો, ચીકાશ, સૂંઢાળું, ઊલુપિ વગેરે.)
(ક્રમશઃ)
સંદર્ભ :
--------
ભાષાગૌરવ પુસ્તક
સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિલ્લો : આણંદ
સંપર્ક : ૯૬૨૪૨૫૯૨૦૦
0 comments:
Post a Comment